World Family Day: વાત મિઝોરમમાં એક જ ઘરમાં રહેતા 167 લોકોના પરિવારની…
મિઝોરમ: દુનિયાના સૌથી મોટા પરિવાર વિશે વાત થઈ રહી હોય ત્યારે તમારે મતે આ ફેમિલીમાં કેટલા સભ્ય હોય શકે? 50થી 60 લોકો? જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો ભાઈસાબ તમે સાવ ખોટું વિચારી રહ્યા છો. જો તમને કોઈ કહે કે દુનિયાના સૌથી મોટા પરિવારમાં 167 સભ્ય એક સાથે એક જ ઘરમાં રહે છે તો તમારા માન્યામાં આ વાત આવે ખરી? નહીં ને? ચાલો આજે વિશ્વ પરિવાર દિવસ (World Family Day) નિમિત્તે તમારી મુલાકાત કરાવીએ દુનિયાના સૌથી મોટા પરિવાર સાથે…
આ વિશાળ પરિવારમાં 167 લોકો એક સાથે એક જ ઘરમાં રહે છે. આ માટે આપણે પહોંચી જવું પડશે ભારતના જ મિઝોરમ ખાતે. આ પરિવાર એટલો વિશાળ છે કે તેને દુનિયાના સૌથી મોટા પરિવારનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ આ પરિવારે આ ખિતાબ લેવાની ના પાડી દીધી હતી કારણ કે તેઓ લાઈમલાઈટ અને પ્રસિદ્ધિથી દૂર રહેવા માંગે છે.
વાત કરીને આ પરિવારના મુખિયા એટલે કે હેડ ઓફ ધ ફેમિલીની તો તે હતા જિયોના ચાના. પરંતુ જૂન, 2021માં 76 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ચાના એક ઈસાઈ સંપ્રદાયના નેતા હતા અને તેઓ જે પુરુષોને બહુ પત્નીત્વને મંજૂરી આપતા હતા.
ચાનાના પરિવારમાં તેમની 39 પત્ની, 94 બાળકો અને 33 પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. કુલ મળીને ચાનાનો પરિવાર 167 સભ્યોનો છે. આખો પરિવાર 100 રૂમવાળા ચાર માળની એક હવેલીમાં રહે છે અને આ હવેલી મિઝોરમ ફરવા આવનારા ટુરિસ્ટ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે.
જિયોના ચાના પોતાના દીકરા સાથે બિઝનેસ કરતાં હતા અને તેમનો પરિવાર મિઝોરમના સુંદર પર્વતીય વિસ્તારમાં આવેલા બટવંગ નામના ગામમાં આવેલી આ મોટી હવેલીમાં રહે છે.
આ પરિવાર 100 રુમના મકાનમાં રહે છે અને એમનું રસોડું પણ એટલું જ મોટું છે. દિવંગત જિઓના પોતાના પરિવારને ખૂબ જ અનુશાસનથી ચલાવતા હતા. ખાવાનું બનાવવા સહિતના ઘરના બીજા કામ પરિવારના બધા સભ્યો સાથે મળીને કરે છે. પરિવારની મહિલાઓ ખેતી કામ કરે છે અને તેની સાથે સાથે જ ઘર ચલાવવામાં પણ પોતાનું યોગદાન આપે છે. ચાનાની સૌથી મોટી પત્ની હવે ચાનાની ગેરહાજરીમાં વડાની ભૂમિકા નિભાવે છે અને ઘરના તમામ સભ્યોના કામની વહેંચણી સાથે સાથે કામકાજ પર નજર રાખે છે.
વિશ્વના આ મોટા પરિવારમાં એક દિવસમાં 45 કિલોથી વધારે ભાત, 30-40 મરઘા, 25 કિલો દાળ, ડઝનબંધ ઈંડા, 60 કિલો જેટલા શાકભાજીની જરુર પડે છે. આ ઉપરાંત પરિવારમાં દરરોજ આશરે 20 કિલો ફળની પણ લાવવામાં આવે છે.
અત્યારે દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ વિસ્તારના રાજકારણમાં આ પરિવારનો ખાસ્સો દબદબો જોવા મળે છે. એક જ પરિવારના આટલી મોટી સંખ્યામાં વોટબેંક હોવાને કારણે નેતા તેમ જ આ વિસ્તારના રાજકીય પક્ષો પણ આ પરિવારને ખાસ મહત્વ આપે છે. ચૂંટણીમાં આ પરિવાર જે પાર્ટી સાથે જાય તેમને એક સાથે ઢગલાબંધ વોટ મળે છે.
ટુંકમાં કહીએ તો આ પરિવાર ખૂબ જ અનોખો છે અને જોનારને એવું લાગે કે આ પરિવાર નહીં પણ એક નાનું નાનું ગામડું છે. જ્યારે પણ આ પરિવાર કોઈ જગ્યાએ ફરવા મૂકવા કે મેચ જોવા પહોંચે છે તો લોકોને એવું જ લાગે છે કે આખું ગામ એક સાથે આવ્યું છે કે પછી મેળો ભરાયો છે.