સોમવારે ચોથા તબક્કાની 96 બેઠકનું મતદાન, ચૂંટણી પ્રચારના પડઘમ શમ્યા
અખિલેશ યાદવ, ઓમર અબ્દુલ્લા, ગિરિરાજ સિંહ, અધીર રંજન ચૌધરી સહિત અન્ય ઉમેદવારો મેદાનમાં
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયું અને ચોથા તબક્કાનું મતદાન 13મી મેના સોમવારે યોજવામાં આશે, જેના માટે આજે શનિવારે સાંજના ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા. આ તબક્કામાં 10 રાજ્યની કુલ 96 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે.
10 રાજ્યમાં આંધ્ર પ્રદેશની 26 બેઠકની સાથે તેલંગણાની તમામ 17 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. એના સિવાય ઉત્તર પ્રદેશની અગિયાર, મહારાષ્ટ્રની અગિયાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ, બિહારની પાંચ, ઓડિશા-ઝારખંડની ચાર-ચાર અને જમ્મુ કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
ચોથા તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની સાથે દેશના 23 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂરી થશે. કુલ મળીને 381 બેઠક પર મતદાન સંપન્ન થશે. આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી સોમવારે હાથ ધરવામાં આવશે.
ચોથા તબક્કામાં મુખ્ય ઉમેદવારની વાત કરીએ તો કન્નોજથી અખિલેશ યાદવ, શ્રીનગરથી અબ્દુલ્લા, બેગુસરાયથી કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ, બહરામપુરથી અધીર રંજન ચૌધરી, કૃષ્ણાનગરથી મહુઆ મોઈત્રા, આસનસોલથી શત્રુઘ્ન સિંહા, હૈદરાબાદાથી અસદુદ્દીન ઓવૈસી અને કડપ્પાથી વાઈએસ શર્મિલાનો સમાવેશ થાય છે.
આ બધી બેઠકમાંથી ખાસ કરીને હૈદરાબાદની હોટ સીટ માનવામાં આવે છે, જ્યાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઉમેદવાર માધવી લત્તાને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. એના સિવાય અખિલેશ યાદવની ટક્કર ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક સામે થશે. ઉપરાંત, પશ્ચિમ બંગાળની બહરામપુર સીટ પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે. કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સામે તૃણમુલ કોંગ્રેસના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ આપી છે.
ઉન્નાવથી સાક્ષી મહારાજની ટક્કર સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર અનુ ટંડનની સામે રહેશે, જ્યારે માયાવતીની પાર્ટી બસપાએ અહીંથી અશોક પાંડેયને ટિકિટ આપી છે. ઉન્નાવ લોકસભાની સીટ ભાજપની સીટ સાક્ષી મહારાજને કારણે હંમેશ ચર્ચામાં રહી છે.
અહીં એ જણાવવાનું કે લોકસભાની 2019ની ચૂંટણીમાં 96 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ 42 બેઠક પર જીત્યું હતું, જ્યારે વાઈએસઆર કોંગ્રેસે 22 સીટ (આંધ્ર પ્રદેશ), બીઆરએસે નવ, કોંગ્રેસે છ, તૃણમુલ કોંગ્રેસે ચાર, ટીડીપીએ ત્રણ, બીજેડી, એઆઈએમઆઈએમ અને શિવસેના બબ્બે-બબ્બે સીટ જીત્યું હતું. ઉપરાંત, એનસીપી, એલજેપી, જેડીયુ અને નેશનલ કોન્ફરન્સના હાથમાં એક-એક સીટ આવી હતી.