મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પર 15 મુસ્લિમ ઉમેદવાર ટક્કર આપશે ઉજ્જવલ નિકમને
નિકમને કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડનો પણ પડકાર રહેશે
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કા પૂરા થયા, જ્યારે હવે ચોથા તબક્કાની ચૂંટણીની રાહ જોવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાનું મતદાન 20મીએ યોજાશે, જેમાં મુંબઈ, થાણે સહિત ભિવંડીની બેઠકોનો સમાવેશ થશે. મુંબઈની બેઠક પર આ વખતે કોનું પ્રભુત્વ રહેશે એ તો પરિણામ પુરવાર કરશે. અત્યારે તો મુંબઈની છ લોકસભા સીટમાંથી ઉત્તર મધ્ય મુંબઈની સીટ હોટ બની રહી છે, જ્યાં ભાજપના ઉમેદવાર અને જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે.
ઉજ્જવલ નિકમ કોર્ટની દુનિયાથી લઈને હવે રાજકારણની ગલીઓમાં નામ જાણીતું બન્યું છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના વિવિધ કેસથી લઈને કસાબ સુધીના તમામ કેસ માટે નિકમનું નામ વિશેષ જાણીતું છે. ચૂંટણીની વાત કરીએ તો નિકમની સામે મજબૂત ઉમેદવાર તરીકે કોંગ્રેસે વર્ષા ગાયકવાડને ઉતાર્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પૂનમ મહાજનના બદલે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે, જે પાસું પણ પાર્ટી માટે પડકારજનક બની શકે છે. અન્ય પાર્ટી કરતા પોતાની પાર્ટીમાં કદાચ અસંતોષ ભાગ ભજવી શકે છે. કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ પણ મુખ્ય હરીફ છે, પરંતુ એની સાથે 27 ઉમેદવાર ચૂંટણીમાં છે. જ્યારે પંદર ઉમેદવાર મુસ્લિમ છે. અહીંની બેઠક પર મહાવિકાસ આઘાડીથી અલગ થયેલ વંચિત બહુજન આઘાડી (વીબેએ)ના ઉમેદવારને પણ મેદાનમાં ઉતાર્યા છે. અહીંની લોકસભાની સીટ પર અભિનેતા એઝાઝ ખાનને ટિકિટ મળી છે, જેમાં એઝાઝ ખાન પણ મુસ્લિમવિસ્તારોમાં જોરદાર પ્રચાર કરે છે.
અપક્ષ પરથી ચૂંટણી લડી રહેલા મુસ્લિમ ઉમેદવાર ગફાર શેખે કહ્યું કે અમે કોઈનો મત કાપવા માટે ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ અમારા મતવિસ્તારના વિકાસ માટે લડી રહ્યા છીએ. મુસ્લિમો પણ જાગી ગયા છે એ બતાવવા માટે અમે લડી રહ્યા છીએ. તેથી અહીં એક નહીં, પંદર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. અમે એટલું જણાવવા માગીએ છીએ કે અમે લોકો દરેક ક્ષેત્રમાં પોતાની ઉમેદવારી કરી શકીએ છીએ.
મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરના ઉમેદવારની યાદી પણ જાણી લો. બહુજન સમાજવાદી પાર્ટી તરફથી અયુબ અમીન હુનગુંદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉજ્જવલ નિકમ, વર્ષા ગાયકવાડ-કોંગ્રેસ, અન્સન થોમસ પીપીઆઈ (એસ), કુર્બાન શહાદત હુસૈન-રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સીલ, ખાન અબ્બાસ અહમદ-બહુજમ મહા પાર્ટી, યશવંત રામભાઉ કસબે-ભારતીય જન વિકાસ આઘાડીનો સમાવેશ થાય છે.
ઉપરાંત, રમઝાન અલી ચૌધરી-એઆઈએમઆઈએમ, શૌકત અબ્દુલ રફીક-ઈન્સાનિયત પાર્ટી, સંતોષ ગણપત અંબુલગે-વીબીએ, હયાત્તુલ્લાહ અબ્દુલ્લાહ શેખ-અખિલ ભારતીય મુસ્લિમ લીગ (એસ), હર્ષદા બાબુરાવ જાધવ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, અબ્દુલ તાહિર અપક્ષ, આસિફ અલી સિદ્દિકી-અપક્ષ, ઉત્તમ કુમાર-અપક્ષ, એઝાઝ મહોમ્મદ સફી ખાન-અપક્ષ, ગફ્ફાર ઈબ્રાહિમ સૈયદ-અપક્ષ, નઝમા ખાતુન મહોમ્મદ ઝફર ખાન (અપક્ષ), નરેન્દ્ર મિશ્રા (અપક્ષ), ફિરોઝ શેખ, મુઝાફર અલી શેખ, મુસ્તાખ હૈદર શેખ, યુનુસઅલી રશિદ વગેરે અપક્ષ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન અહીંની સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં ઉમેદવાર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે પંદર મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તો સૌને ચૂંટણી લડવાનો અધિકાર છે.