કોંગ્રેસ છોડ્યા પછી રાધિકા ખેડાએ નેતાઓ પર લગાવ્યા વધુ ગંભીર આરોપ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્વે પણ કોંગ્રેસને અલવિદા કરનારા નેતાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં રવિવારે કોંગ્રેસમાંથી છત્તીસગઢ મીડિયા સેલના પ્રમુખે કોંગ્રેસ પાર્ટીમાંથી અલવિદા કરી હતી. ત્યારબાદ હવે પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા રાધિકા ખેડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી હવે અમુક પદાધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અમુક નેતાઓએ તેમને દારુની ઓફર કરી હતી. આ અંગે વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેના અંગે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
અગાઉ રાજીનામા અંગે રાધિકા ખેડાએ સોશિયલ મીડિયા પર પણ બળાપો ઠાલવ્યો હતો. સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ એક્સ પર રાજીનામા અંગે લખ્યું હતું કે આજે અત્યંત દુખ સાથે જણાવવાનું કે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છે. હું છોકરી છું અને લડી શકું છું અને હવે હું એ જ કરું છું અને મારા દેશવાસીઓને નિરંતર લડાઈ માટે હું સતત લડતી રહીશ.
રાધીકા ખેડાએ રાજીનામું આપ્યાના એક દિવસ પછી મીડિયા સાથે વાતચીતમાં રાજીનામા અંગે ખુલાસા કર્યા હતા. રાધિકા ખેડાએ કોંગ્રેસના છત્તીસગઢ મીડિયા સેલના પ્રમુખ પર પણ ગંભીર આરોપ મૂક્યા હતા અને કહ્યું હતું કે સુશીલ કુમારે મને ભારત જોડોયાત્રા વખતે દારુની ઓફર કરી હતી. ભારત જોડો યાત્રા વખતે અમે કોરબામાં હતા ત્યારે મીડિયા સેલની બે છોકરીઓ હતી અને તેમણે મને વારંવાર ફોન કરીને પૂછ્યું હતું કે તમારી કઈ લીકર જોઈએ છે.
આ અંગે મેં જ્યારે સચિન પાઈલટને વાત જણાવી હતી અને ત્યાંના પ્રદેશપ્રમુખને વાત જણાવી હતી. દિલ્હીમાં પણ જયરામ રમેશથી લઈ પવન ખેડા સુધી વાત પહોંચાડી હતી. આમ છતાં મારી વાતની અવગણના કરી હતી. મારી વાત સાંભળી નહીં, કારણ કે હું પાર્ટીની હિન્દુ વિરોધી માનસિકતાની વિરોધી રહી છું.