દિલ્હી પછી હવે અમદાવાદની સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યા મેઈલ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મંગળવારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મતદાન કરવામાં આવશે, ત્યારે સોમવારે દિલ્હીના માફક ગુજરાતના અમદાવાદની સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. સ્કૂલોને બોમ્બથી ઉડાવીને દેવાના અહેવાલને કારણે સ્કૂલ સહિત પોલીસ પ્રશાસન સતર્ક બનીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદની નવેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સંબંધિત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની સાથે પોલીસ પ્રશાસન તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર બોમ્બની ધમકીની માહિતી ઈમેલ મારફત મળી હતી, ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
હાલમાં સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટા ભાગની સ્કૂલ બંધ છે, જ્યારે જે તે સ્કૂલમાં મતદાન યોજાવાનું છે ત્યારે અમુક સ્કૂલમાં મતદાન મથક રાખવામાં આવ્યા છે. તેથી પોલીસ પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. આ અગાઉ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા પછી અફવા હોવાનું પુરવાર થયું હતું. અમદાવાદમાં ઘાટલોડિયા અને ચાંદખેડાની સ્કૂલનો સમાવેશ થાય છે.
દિલ્હીની સ્કૂલને જે ઈમેલ સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જ રશિયન સર્વરનો ઉપયોગ અમદાવાદની સ્કૂલ માટે કરવામાં આવ્યો છે. આમ છતાં રજાઓને કારણે ચિંતાનું કારણ નહીં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પહેલી મેના પાટનગર દિલ્હી અને એની આસપાસના જિલ્લાની 100 સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ દિલ્હી-એનસીઆરના વિસ્તારોની સ્કૂલમાં ચારેબાજુ અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. શરુઆતમાં ત્રણ સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, ત્યારબાદ 100થી આંકડો પાર થઈ ગયો હતો.