ભાવનગરમાં ટ્રેનના લોકો પાઈલટની સતર્કતાને કારણે 8 સિંહના જીવ બચ્યાં
આ વર્ષે 100થી વધુ એશિયાઈ સાવજને બચાવવાનો રેલવે પ્રશાસનનો દાવો
ભાવનગરઃ ગુજરાતના ભાવનગરમાં લોકો પાઈલટની સતર્કતાને કારણે બે દિવસમાં આઠ સિંહને બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લામાં પાઈલટ દ્વારા જો સાવધાની દાખવવામાં આવી ના હોત તો જીવ ગુમાવવાની નોબત આવી હોત.
ભાવનગર જિલ્લામાં બે દિવસમાં લગભગ આઠેક સિંહ રસ્તો ભૂલ્યા હતા અને ભટકતા ભટકતા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જોકે, એક ગૂડસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટ્સે ટ્રેક પર સિંહોને જોઈ લેતા બ્રેક મારી હતી, જેમાં સિંહનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લોકો પાઈલટસ અને વન વિભાગના ટ્રેકર્સની મદદથી આ વર્ષના અંત સુધીમાં 104 જેટલા સિંહને બચાવી લેવામાં આવ્યા છે.
ગુરુવારે હાપાથી પિપાવાવ પોર્ટ જનારા એક ગૂડ્સ ટ્રેનના લોકો પાઈલટ (ધવલભાઈ પી.) રાજુલા શહેર નજીક લગભગ પાંચેક સિંહને રેલવે પાટા પર જોવા મળ્યા હતા. સિંહને ટ્રેક પર જોયા પછી ટ્રેનને રોકવાની કોશિશ કરી હતી અને સિંહ સુરક્ષિત રીતે ટ્રેક પરથી ખસી જાય એના માટે વન વિભાગના અધિકારીઓને પણ જાણ કરી હતી.
એના પછી શુક્રવારે પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટ (સુનીલ પંડિત)ની સાવધાનીને કારણે ધારી સેક્શનમાં બે બચ્ચા સાથે એક સિંહણનો જીવ બચ્યો હતો. સુનીલ પંડિતે ટ્રેક પર સિંહને જોઈને ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી લીધી હતી. ત્યાર બાદ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ટ્રેક પરથી સિંહ જતા રહ્યા પછી ટ્રેનને પાઈલટે ઉપાડી હતી.
આ અગાઉ ટ્રેનની ટક્કરમાં એશિયાઈ સિંહના મોત થવાના કિસ્સા બન્યા હતા. વધતા અકસ્માતો અંગે ગુજરાત હાઈ કોર્ટે પણ ગુજરાત સરકાર, વન વિભાગ અને રેલવેને એસઓપી બનાવવાની તાકીદ કરી હતી.
રેલવે પ્રશાસને ટ્રેનના ઓપરેશન માટે સ્પીડ રિસ્ટ્રિક્શનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યના વન વિભાગ દ્વારા સિંહોના અકસ્માતોને રોકવા માટે રેલવે પરિસરની આસપાસ નિયમિત ધોરણે ફેન્સિંગ વોલ બનાવવામાં પણ આવી છે.