February 28, 2026
લાઈફ સ્ટાઈલ

પરફ્યુમની જરૂર નહીં પડે! બાલ્કનીમાં લગાવો આ 5 સુગંધિત વેલ, આખું ઘર મહેકી ઉઠશે…

Spread the love


મુંબઈ જેવી માયાવી નગરીમાં બાલ્કનીવાળા ઘરની કલ્પના કરવી જ અઘરી છે. પરંતુ ફાર્મ હાઉસ કે સેકન્ડ હોમ કે જ્યાં તમે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે નિરાંતની પળો વિતાવી શકો એવા સ્થાન પર સુંદર મજાની બાલ્કની હોય, બેસવા માટે ચેર અને એક ટેબલ હોય. સાથે સાથે ગરમા ગરમ કોફી અને મંદ મંદ ફૂલોની સુવાસ આવતી હોય તો તો સાક્ષાત સ્વર્ગ જેવી અનુભૂતી થાય હેં ને? આજે અમે તમારા માટે અહીં પાંચ એવી વેલની માહિતી લઈને આવ્યા છીએ કે જે લગાવ્યા બાદ તમારી બાલ્કની એકદમ મહેંકી ઉઠશે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે…

ઘરની બાલ્કની એ માત્ર કપડાં સુકવવા કે બેસવા પૂરતી જ મર્યાદિત નથી હોતી. જો આ બાલ્કનીને યોગ્ય રીતે મેઈન્ટેન અને સજાવવામાં આવે તો તે તમારા આખા ઘરનું વાતાવરણ બદલી શકે છે. બજારમાં મળતા આર્ટિફિશિયલ રૂમ ફ્રેશનર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, પરંતુ કુદરતી ફૂલોની સુગંધ મનને શાંતિ અને તાજગી આપે છે. જો તમે તમારી બાલ્કનીને ફૂલોના બગીચામાં બદલવા માંગતા હોવ, તો આ 5 સુગંધિત વેલા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

મધુમાલતી: મધુમાલતી એક એવી વેલ છે કે જે તેના ઝૂમખામાં આવતા ફૂલો માટે જાણીતી છે. આ ફૂલોની ખાસિયત એ છે કે તે ખીલે ત્યારે સફેદ હોય છે અને ધીમે ધીમે ગુલાબી અને ત્યાર બાદ લાલ રંગના થઈ જાય છે. આ ફૂલોની મીઠી સુગંધ રાત્રિના સમયે આખી બાલ્કનીને મહેંકાવી દે છે અને વાતાવરણ એકદમ પ્રસન્ન બનાવવામાં મહત્ત્વનો રોલ નિભાવે છે. આ વેલને સૂર્યપ્રકાશ ખૂબ માફક આવે છે, એટલે તેને તડકો આવતો હોય ત્યાં લગાવવી જોઈએ.

મોગરો: ભારતીય ઘરોમાં મોગરો સૌથી વધુ લોકપ્રિય છે. મોગરાના સુંદર મજાના ક્યુટ સફેદ ફૂલોની સુગંધ એટલી સ્ટ્રોન્ગ હોય છે કે માત્ર એક જ છોડ આખા ઘરને મહેકાવવા માટે પૂરતો છે. મોગરાના ફૂલોનો ઉપયોગ અત્તર અને પૂજામાં પણ થાય છે એટલે ઘરની બાલ્કનીમાં તમે મોગરો પણ લગાવી શકો છો. મોગરાના છોડને ભેજવાળી માટી અને નિયમિત છાંટણીની જરૂર હોય છે.

રાતરાણી: નામ પ્રમાણે જ ખ્યાલ આવી ગયો હશે કે આ વેલ પરના ફૂલો રાતના સમયે ખીલતા હશે અને આ ફૂલોની સુવાસ એટલી બધી સ્ટ્રોન્ગ હોય છે કે દૂર-દૂર સુધી ફેલાય છે. જો તમારી બાલ્કની બેડરૂમની નજીક હોય, તો રાતરાણીની વેલ લગાવવાથી તમને રાત્રે કુદરતી એરોમાથેરાપીનો અનુભવ થશે.

જૂઈ : જૂઈના ફૂલો નાના અને અત્યંત નાજુક હોય છે. જૂઈના ફૂલોની સુગંધ મોગરા કરતાં થોડી અલગ અને સૌમ્ય હોય છે. આ વેલ બાલ્કનીની ગ્રીલ પર ખૂબ સુંદર રીતે ચઢી જાય છે અને આખી જાળીને સફેદ ફૂલોથી ઢાંકી દે છે. જૂઈની વેલને ઉનાળાની ઋુતિ દરમિયાન વધારે પાણીની જરૂર પડે છે.

ક્લેમેટિસ : જો તમારે સુગંધની સાથે સાથે રંગીન દેખાવ પણ જોઈએ છે, તો ક્લેમેટિસ ઉત્તમ છે. તેના ફૂલો જાંબલી, ગુલાબી કે વાદળી રંગના હોઈ શકે છે. તેની સુગંધ વેનિલા જેવી મીઠી હોય છે જે મનને પ્રફુલ્લિત બનાવવાનું કામ કરે છે. આ વેલના મૂળને ઠંડક અને ઉપરના ભાગને તડકો મળે એ રીતે રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!