2 મિનિટનો વીડિયો બનાવીને 27 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું
ગુજરાતના પાલનપુરમાં 27 વર્ષની યુવતીએ આત્મહત્યા પૂર્વે પ્રેમીને સંબોધતા વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવતી તેના પ્રેમી સાથે માફી માગી હતી અને કહ્યું હતું કે તે હંમેશાં ખુશ રહે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતના પાલનપુરના તાજપુર વિસ્તારમાં 27 વર્ષની યુવતીએ અંતિમ પગલું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે યુવતીએ આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં યુવતી તેના પ્રેમીને સંબોધીને માફી માગી હતી અને તે હંમેશાં ખુશ રહે એમ જણાવ્યું હતું.
હું ઘર અને ક્લેશથી થાકી ગઈ છું
મૃતક યુવતીની ઓળખ રાધા નામે કરવામાં આવી હતી. યુવતીએ આગળ જણાવ્યું હતું કે હું તને કંઈ જણાવ્યા વિના અંતિમ પગલું ભરું છું. તું સદા ખુશ રહે અને શાંતિથી લગ્ન કરી લેજે. તુ ખુશ રહીશ તો મારી આત્માને શાંતિ મળશે. જો તુ દુખી રહીશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હું ઘર અને ક્લેશથી થાકી ગઈ છું.
બ્યુટી પાર્લરનું કામકાજ કરતી હતી
રાધા અને તેની બહેન પાલનપુરમાં એકલા રહેતા હતા તથા રાધા બ્યુટી પાર્લરનું કામકાજ કરતી હતી. સોમવારે સવારે રાધા પોતાના ઘરે પંખા પર લટકેલી હાલતમાં જોવા મળી હતી. બહેને જ્યારે તેને જોઈ ત્યારે તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થયા પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બે વીડિયો અને સ્યુસાઈડ નોટ મળી
પોલીસની તપાસ દરમિયાન યુવતીના મોબાઈલમાંથી બે વીડિયો અને એક સ્યુસાઈડ નોટ મળી હતી. પહેલો વીડિયો 57 સેકન્ડ અને બીજો 114 સેકન્ડનો છે. પોલીસના જણાવ્યાનુસાર વીડિયોમાં યુવતીએ પોતાના પ્રેમી વિરુદ્ધ કંઈ કહ્યું નહોતું. આ કેસમાં પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે, જ્યારે મૃતકની બહેન અને અન્ય સાક્ષીના આધારે તપાસ હાથ ધરી છે.