શોકિંગઃ દેશમાં 23 કરોડથી વધુ લોકો દારુણ ગરીબીમાં જીવન જીવવા લાચાર
ભારત સહિત સમગ્ર દુનિયા ભલે વિકાસના મોટા મોટા દાવા કરતા હોય, પરંતુ દુનિયામાં હજુ એવા કરોડો લોકો છે, જે એક ટંક ખાવા-પીવાના ફાંફા પડે છે. ક્યારેક પાંચ-પચીસ રુપિયાના વિવાદમાં લોકોની હત્યા કરી દેવામાં આવે છે છે ત્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) દ્વારા દાવો કરવામાં આવ્યો છે દુનિયામાં એક અબજથી વધુ લોકો ગરીબ છે. ભારતની વાત કરીએ તો દેશમાં હજુ પણ 23 કરોડથી વધુ લોકો દારુણ ગરીબીમાં જીવન જીવવા માટે લાચાર છે.
જીવન જરુરી ચીજવસ્તુઓનો અત્યંત અભાવ
યુએનના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વમાં એક અબજથી વધારે લોકો અત્યંત ગરીબીમાં જીવન વીતાવી રહ્યા છે, જેમાની અડધોઅડધ પબ્લિક તો યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં છે. આ બધા દેશોમાં મોટા ભાગે અન્ન-પુરવઠા, લાઈટ, પાણી સહિત સ્વસ્છતાનો અભાવ રહેલો છે, જેથી તેમનું જીવનધોરણ સૌથી વધુ ખરાબ હોવાનું તારવવામાં આવ્યું છે.
દુનિયામાં 1.1 અબજ લોકો ગરીબીમાં જીવન વીતાવે છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિસ્તૃત અહેવાલમાં જણાવ્યાનુસાર વિશ્વના 112 દેશ અને છ અબજથી વધુ લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલી ઈન્ફર્મેશનના આધારે ઉપરોક્ત રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં દુનિયભારમાં 1.1 અબજથી વધુ લોકો દારુણ ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. કુદરતી આફત, માનવસર્જિત આફતમાં યુદ્ધોને કારણે લોકોના જીવન પર સૌથી ઘેરી અસરો પડી છે, જેમાં લાખો લોકોએ આજીવિકા ગુમાવવાની પણ નોબત આવી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
યુદ્ધગ્રસ્ત દેશમાં મૃત્યુદર આઠ ટકા
અઢાર વર્ષથી ઓછી ઉંમરના 58 કરોડ જેટલા બાળકો અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યા છે. યુદ્ધથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુદર આઠ ટકા જેટલો છે, જ્યારે યુદ્ધ વિનાના રાષ્ટ્રોમાં મૃત્યુદર ફક્ત 1.1 ટકા જેટલો છે. દુનિયાના સૌથી વધુ ગરીબ લોકો દક્ષિણ એશિયા અને આફ્રિકન દેશનો પણ સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો દેશની કૂલ 1.4 અબજની વસ્તીમાંથી 23 કરોડથી વધુ લોકો અત્યંત દારુણ ગરીબીમાં જીવન જીવે છે. દક્ષિણ એશિયામાં ભારત સિવાય પાકિસ્તાનો પણ સમાવેશ થાય છે. આફ્રિકન દેશમાં નાઈજિરિયા, ઈથોપિયા, કોંગો વગેરે દેશની પ્રજા ભયંકર ગરીબીનો સામનો કરી રહ્યા છે.