યોગ દિવસઃ તંદુરસ્ત રહેવા આજના દિવસે આટલું તો કરી શકીએ…
21મી જૂનના ભારત સહિત દુનિયાભરના દેશોમાં હવે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગના મહત્ત્વ માટે ફક્ત એક વાક્યમાં કહીએ તો યોગ કરવાથી મનમાં શાંતિ અનુભવાય છે તેમ જ આનંદ પણ અનુભવાય છે. રેગ્યુલર યોગ કરવાથી વ્યક્તિની સહનશક્તિમાં વધારા સાથે તંદુરસ્તી પણ અનુભવાય છે. વાસ્તવમાં યોગ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.
યોગ કરવાની એક ખાસિયત છે કે તેના આસનો દ્વારા યુવાન હોય કે વૃદ્ધ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. જેમ જેમ તમારી ઉંમરમાં વધારો થાય તેમ સારી રીતે જીવન જીવવાના દૃષ્ટિકોણમાં પણ ફેરફાર કરાવે છે. યોગ કરવાથી શું ફાયદા થાય તો ચિંતામાં ઘટાડો કરી શકો છો. અનિદ્રા, અસ્થમા, ડાયાબિટીસ, હાયપરટેન્શન તેમ જ આધાશીશી સહિત અન્ય બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની ભલામણ કરી હતી, જ્યારે તેમની ભલામણને પણ દુનિયાભરના રાષ્ટ્રોએ સ્વીકારી હતી, જેથી દર વર્ષે 21મી જૂને યોગ દિવસ ઉજવાય છે.
સામાન્ય રીતે લોકો પોતાની જીવનશૈલીમાં નાના-મોટા આસન કે ધ્યાન ધરવાનું પણ કરતા હોય છે તેને નિયમિત રીતે કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. ભારતીયો માટે યોગની વાત અજાણી નથી. બાળકોથી લઈને વૃદ્ધો પણ ટેવાયેલા છે. કેટ સ્ટ્રેચથી કરોડરજ્જુ મજબૂત બને છે, જ્યારે પવનમુક્તાસનથી પાચનક્રિયા મજબૂત બને છે. પ્રાણાયમની વાત કરીએ વ્યક્તિનો શ્વાસ પર કાબૂ. પ્રાણાયમમાં શ્વાસોશ્વાસને વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહી અને મગજને વધુ પ્રાણવાયુ મળે છે, તેનાથી સમગ્ર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પ્રાણાયમ સિવાય પદ્માસન, સવાસન, અષ્ટાંગા યોગ, આયંગર યોગ અને વિન્યાસા યોગ પણ આધુનિક યોગ છે. ઉપર જણાવેલ આસન કરવાથી બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા માટે ફાયદાકારક છે.
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ મંત્રયોગ, લયયોગ, શિવયોગનું પણ વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત, શલભાસન, ભુજંગાસન, તાડાસન, કોણાસન, ઉષ્ટ્રાસન, સ્વસ્તિકાસન, વૃક્ષાસન, ગરુડાસન, નૃત્યાસન, ગોમુખાસન વગેરે કરવાથી પણ ફાયદો રહે છે. આ પણ તમામ આસન નિષ્ણાતની મદદથી કરો તો વિશેષ ફાયદો રહે છે. યોગસૂત્રમાં જણાવ્યાનુસાર મનમાં મદ, મોહ, ઈચ્છા, રાગ દ્વેષ વગેરેને દૂર કરવા માટે યોગ તમને મદદરુપ બને છે. ટૂંકમાં, યોગ એ મન પર કાબૂ મેળવવા માટેની વ્યવસ્થા છે. ઉપર જણાવેલા આસન યા યોગક્રિયાઓ કરવાથી તમે તમારી જાતને વધુ મુક્ત બનાવી શકો છો.