ધંધુકાનું ‘કલ્યાણ’: 246 કરોડના 184 પ્રકલ્પનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હૂત
ગાંધીનગરઃ ગુજરાતના ધંધુકા તાલુકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષી વિવિધ પ્રોજેક્ટનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હૂમત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના રૂ. ૨૪૬.૩૧ કરોડના ૧૮૪ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કેવો હોય, કયા સ્કેલનો હોય તેનું ઉદાહરણ ગુજરાત દ્વારા પૂરું પાડ્યું છે. તેમાં પણ ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે.
દેશમાં ગુજરાત રોલ મોડલ બન્યું
આ વિસ્તારમાં રૂ. ૧૦૦૦ કરોડના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. નવા વર્ષે ધંધુકાને મળેલી રૂ. ૨૪૬ કરોડના વિકાસકાર્યોની ભેટ સાથે આજનો દિવસ વિકાસોત્સવ બની ગયો છે. વડા પ્રધાનની પ્રો-પીપલ લીડરશીપને પગલે ગુજરાત દેશમાં રોલ મોડલ બન્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
જળ-વીજ વ્યવસ્થાપનનો નિકાલ
ધંધુકા અને ભાલ પ્રદેશની બદલાયેલી છબિનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાસન દાયિત્વ સંભાળ્યા બાદ તેમના આગવા વિઝનથી ગુજરાતને મજબૂત બનાવ્યું છે. પીએમ મોદીએ જળ વ્યવસ્થાપન અને વીજ વ્યવસ્થાપન તથા વિવિધ યોજનાઓથી રાજ્યના પાયાના પ્રશ્નોનો નિકાલ કર્યો છે.
ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ
સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા નર્મદાના નીર ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યા છે. ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને સ્વાસ્થ્ય એમ તમામ ક્ષેત્રે વડા પ્રધાનની વિઝનરી લીડરશીપથી ક્રાંતિ આવી છે. ભૂતકાળની સાપેક્ષમાં મળતી આરોગ્ય અને રસ્તાઓ સહિતની સેવાઓના સ્તરમાં ધરખમ સુધારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે હવે રાજ્યમાં તાલુકા કક્ષાએ આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે.
“વિકાસ ભી અને વિરાસત ભી”નો મંત્ર સાકાર
ધંધુકાની ધરતી પર “વિકાસ ભી અને વિરાસત ભી”નો મંત્ર સાકાર થયો છે એમ જણાવતા કહ્યું હતું કે વિરાસતની જાળવણીમાં ગુજરાત અગ્રેસર છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્મારક અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના વિરાસત મ્યુઝિયમ તેનું ઉદાહરણ છે. મુખ્યમંત્રીના હસ્તે ૧૮૪ જેટલાં વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમાં માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આઈ.સી.ડી.એસ વિભાગનાં વિવિધ કામોનો સમાવેશ થાય છે.