ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી 14નાં મોતઃ પ્રશાસનની જાહેરાત
ચાંદીપુરા વાઈરસના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના સંક્રમણથી પ્રશાસન સતર્ક બન્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 27 જેટલા કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાઈરસથી 14 બાળકના મોત થયા છે.
ગજુરાતમાં સૌથી વધારે કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે, જ્યારે કૂલ કેસમાંથ ત્રણ કેસ અન્ય રાજ્યમાંથી આવ્યા છે. વધતા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 47,000 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. 16મી જુલાઈથી ચાંદીપુરા વાઈરસને કારણે આઠ બાળકના મોત થા હતા, જ્યારે 17 જુલાઈના છ બાળકનાં મોત થયા છે, જેમાં ગોધરાના એક, ગાંધીનગરમાં એક, અમદાવાદ, મહેસાણાના એક-એક બાળકનો સમાવેશ થાય છે. એની સામે અત્યાર સુધીમાં 27 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે.
ચાંદીપુરા વાઈરસના સંક્રમણને લઈને સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે, જેમાં 14 જિલ્લામાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ કરીને બુધવારે અધિકારીઓને એલર્ટ કર્યા હતા. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા સંબંધિત જિલ્લામાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સૌથી પહેલા ગોધરાના કોટડા ગામે ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. આ અંગે તપાસ કરતા આરોગ્ય વિભાગને બાળકના ઘરેથી સેન્ડ ફ્લાય માખી મળી આવી હતી, જ્યારે પડોશીના ઘરેથી સેન્ડ ફ્લાય માખી મળી હતી, જેનો રિપોર્ટ ચેક કરતા વાઈરસનો ઘટસ્ફોટ થયો હતો. સેન્ડ બાય માખી કરડવાથી ચાંદીપુરા વાઈરસ ફેલાય છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના 8500થી વધુ ઘર અને 47,000 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વધતા સંક્રમણને લઈ સમગ્ર દેશમાં આરોગ્ય વિભાગની સાથે સંબંધિત એજન્સીને એલર્ટ કરવામાં આવી છે. ચાંદીપુરા વાઈરસના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા દર્દીને દાવ આવે છે, જેમાં ફલૂ જેવા લક્ષણો હોય છે. મગજમાં સોજો આવવાની સાથે અન્ય ગંભીર બીમારીના લક્ષણો પણ જોવા મળે છે.
