2024માં પાક નુકશાની માટે સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને 1,333 કરોડની રકમની ચૂકવણી કરી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં કુદરતી આફત વખતે સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને 1,333 કરોડની સહાય ચૂકવી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. વિધાનસભા ગૃહ ખાતે દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં ગયા વર્ષે સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોની સાથે નાગરિકોને જરુરી સહાય પૂરી પાડીને સરકાર તેમની પડખે ઊભી રહી હતી.
ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઊભી રહી છે. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે SDRF (State Disaster Response Fund)ના ધારા ધોરણો મુજબ તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ૭૫ ટકા કેન્દ્ર સરકાર અને ૨૫ ટકા ફાળો રાજ્ય સરકારનો હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગયા વર્ષે ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકશાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫ ટકા લેખે કુલ રૂ. ૫,૮૫૨.૮ કરોડ તેમજ ગુજરાત સરકારે ૨૫ ટકા લેખે કુલ રૂ. ૧,૯૪૯.૬ કરોડના ફંડની ફાળવણી કરી છે.
કુદરતી આપત્તિઓ સમયે અસરગ્રસ્તોને માનવમૃત્યુ/માનવઇજા, કપડા અને ઘરવખરી સહાય, મકાન/ઝૂંપડા સહાય, ઘાસચારા સહાય, ખેડૂતોને પાક નુકશાન અને જમીન ધોવાણ સહાય, પશુ મૃત્યુ સહાય, દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ ), માછીમારોની હોડી અને જાળીને થયેલ નુકશાન માટે, હસ્તકલા અને હાથશાળ કારીગરોને થયેલ નુકશાન માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા SDRFમાંથી આપવામાં આવી હતી.