પુષ્પક એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતમાં 12 લોકોનાં મોતઃ રેલવે સુરક્ષા કમિશનર કરશે તપાસ
જળગાંવ ટ્રેન દુર્ઘટના માટે કોણ જવાબદાર, પીડિતો માટે સરકારે સહાયની કરી જાહેરાત
જળગાંવઃ મહારાષ્ટ્રના જળગાંવના પરાંડા સ્ટેશન નજીક ચોંકાવનારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 40થી વધુ લોકોને ઈજા પહોંચી. આ અકસ્માતે ગયા વર્ષના ઓડિશાના બાલાસોરના અકસ્માતની યાદ તાજી કરી નાખી હતી. ટ્રેનમાં આગની અફવાને કારણે પ્રવાસીઓએ ટ્રેનમાંથી જમ્પ માર્યો અને ટ્રેક પરથી આવેલી ટ્રેને પ્રવાસીઓને કચડી નાખ્યા. આ અકસ્માત અંગે રેલવે સેફ્ટી કમિશનરની આગેવાનીમાં તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે, જ્યારે રાજ્ય સરકારે મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી છે.
પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જતા અકસ્માત
મુંબઈથી લગભગ 400 કિલોમીટર અંતર તથા જળગાંવથી 40 કિલોમીટરના અંતરે પુષ્પક એક્સપ્રેસના એક કોચમાં આગ લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓ જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદ્યા હતા, ત્યાર બાદ અમુક પ્રવાસીઓ ટ્રેનમાં ચેન પુલિંગ પણ કર્યું હતું. એની સામે બેંગલુરુથી દિલ્હી જતી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેક પરના પ્રવાસીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. 40થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં સાત લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકોની સંખ્યા વધારો થઈ શકે છે. ઘાયલ લોકોને ફ્રીમાં સારવાર તથા મૃતકોના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની ફડણવીસ સરકારે જાહેરાત કરી છે.
રેલવે પ્રધાને ઘાયલોને તાકીદે મદદ કરવાનો આપ્યો આદેશ
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો અંગે સંવેદના વ્યક્ત કરીને સમગ્ર બનાવની જાણકારી રેલવે પ્રશાસન પાસેથી મેળવી હતી અને ઘાયલોને યથાસંભવ મદદ કરવાનો આદેશ આપ્યો હતો. આ અકસ્માત અંગે સેન્ટ્રલ સર્કલના રેલવે સેફ્ટી કમિશનર દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે આજે પરઘાડે અને માહેજી ખાતેના પહોંચશે, ત્યારબાદ સાક્ષીઓના નિવેદનને નોંધવામાં આવશે.
ઘાયલોને મદદ કરવાની સરકારની પહેલી પ્રાથમિકતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જળગાંવના અકસ્માતને કમનીસબ ગણાવ્યો હતો. જિલ્લા અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારી સાથે વાત કરી છે. બચાવ અભિયાન જારી છે, જ્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે. અમારી પ્રાથમિકતા ઘાયલોને ઝડપથી સારવાર કરવાની છે, એમ તેમણે જણાવ્યું હતું.
અફવા ફેલવાનારા પર થશે કાર્યવાહી
આ વર્ષના સૌથી ભયાનક રેલવે અકસ્માત પૈકી જળગાંવના રેલ અકસ્માતની ગણતરી કરી શકાય. આ અકસ્માત અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય નેતાઓએ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. જોકે, વિરોધી પક્ષ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું તેમ જ ટ્રેનમાં આગની અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવા તેમ જ પીડિતોને યોગ્ય વળતર આપવાનો અનુરોધ કર્યો હતો.