12 જ્યોતિર્લિંગ પૈકીના ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું મહત્ત્વ જાણો
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ નાશિકમાં ત્ર્યંબકેશ્વર ખાતે આવેલું છે. આ જ્યોતિર્લિંગ સ્વયંભૂ શિવલિંગ છે, જ્યારે ગૌતમ ઋષિ અને ગંગા નદી સાથે જોડાયેલી રસપ્રદ કથા પણ છે. આ મંદિર અંગે માન્યતા છે કે નાશિકમાં આવેલું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું એટલે આ શિવલિંગને કોઈએ સ્થાપિત કર્યુ નથી.
વાસ્તવમાં ત્ર્યંબકેશ્વર મંદિર બહુ પ્રાચીન છે. મંદિરમાં એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે, જ્યારે આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી તરીકે ઓળખાય છે. ઉપરાંત, બાજુમાં ત્રણ પર્વત છે જેને બહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખાય છે. બ્રહ્મગિરિને શિવ, નીલગિરિ પર્વત પર નિલામ્બિકા અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે, જ્યારે ગંગાદ્વાર ઉપર ગંગાજી એટલે ગોદાવરી દેવીનું મંદિર છે. મૂર્તિના ચરણોમાં એક એક ટિપું પાણીનું ટપકે છે, જે નજીકના કૂંડમાં જમા થાય છે.
નાશિકમાં ગોદાવરી નદીના કિનારે આવેલું ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિરનું શ્રાવણ મહિનામાં ભક્તોની વિશેષ અવરજવર રહે છે. ત્ર્યંબકેશ્વર મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય એકસાથે બિરાજેલા છે. મંદિર સાથેની પૌરાણિક કથા છે. પ્રાચીન યુગમાં બ્રહ્મગિરિ પર્વત પર દેવી અહિલ્યાના પતિ ગૌતમ ઋષિ રહેતા હતા અને ત્યાં તપસ્યા કરતા હતા. પણ ગૌતમ ઋષિથી અન્ય ઋષિ-મુનિઓ બહુ ઈર્ષા કરતા હતા. આ ઈર્ષાના આવેગમાં આવીને એક વખત ઋષિ-મુનીઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ મૂક્યો હતો. ગૌહત્યાના આરોપમાં ગૌતમ ઋષિને ગંગાજીને લાવવા કહ્યું હતું ત્યારે ગૌતમ ઋષિએ ભગવાન શિવજીની પૂજા કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા હતા.
માતા પાર્વતી અને શિવજી પ્રસન્ન થયા ત્યારે ગૌતમ ઋષિએ વરદાન માગીને એ જગ્યાએ ગંગામાતાને લાવવા કહ્યું એની સામે ગંગાજીએ કહ્યું કે જો શિવજી આ સ્થાને રહે તો તેઓ ત્યાં આવશે. ગંગાજીના કહેવાથી ભગવાન શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિગના સ્વરુપમાં વાસ કરવા માટે તૈયાર થયા અને માતા ગંગા સ્વરુપમાં વહેવા લાગ્યા. એટલે ગંગા નદી ગૌતમી સ્વરુપમાં વહેવા લાગ્યા, જ્યારે ગૌતમી નદીનું બીજું નામ ગોદાવરી પણ છે. મુંબઈથી નજીક નાશિક આવેલું છે, જ્યારે નાશિમાં ત્ર્યંકબકેશ્વરનું મંદિર આવેલું છે.