Shocking: જ્યોર્જિયામાં 11 ભારતીયનાં મોત, જાણો શું છે કારણ?
ત્બિલિસી: જ્યોર્જિયાના એક હિલ પરના રિસોર્ટમાં 11 ભારતીય નાગરિકના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યાનુસાર હોટેલમાં ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઈડ લીકેજ થયો હતો. હોટેલના રુમમાં જ્યારે લોકો સૂતા હતા ત્યારે ગેસ લીકેજ થયો હતો. આ બનાવમાં 12 જણનાં મોત થયા છે.
આ બનાવ અંગે જ્યોર્જિયાના આંતરિક બાબતના મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના આધારે જાણવા મળ્યું છે કે મૃતક લોકોના શરીર પર કોઈ ઈજા યા હિંસાની નિશાની નથી. પૂર્વ સોવિયેતના દેશના સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અગિયાર ભારતીય લોકોના મોત માટે કથિત ઝેરી ગેસના લીકેજને કારણ જવાબદાર છે.
જ્યોર્જિયાના અધિકારીના જણાવ્યનુસાર મૃતક બાર જણમાંથી અગિયાર વિદેશી લોકો છે, જ્યારે જ્યોર્જિયાના રહેવાસી છે. ત્બિલિસી સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે માર્યા જનારા તમામ લોકો ભારતીય છે, જ્યારે અહીંની હોટેલમાં કામકાજ કરતા હતા.
દૂતાવાસે જણાવ્યું છે કે અમને 11 ભારતીય નાગરિકનાં મોત થયા હોવાની માહિતી મળી છે. મૃતકના પરિવારના સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે, જ્યારે તેમના પરિવારને બનતી તમામ મદદ કરવાની હૈયાધારણ આપી હતી.
— India in Georgia (@IndEmbGeorgia) December 16, 2024
સ્થાનિક પોલીસના જણાવ્યનુસાર પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે વીજળીના જનરેટરથી કાર્બન મોનોક્સાઈડ લીકેજ થયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે એ જનરેટર બંધ અવસ્થામાં મળ્યું હતું. જોકે, આ બનાવ અંગે નક્કર માહિતી મળી નથી, પરંતુ ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટના અંગે જ્યોર્જિયા પોલીસે ગુનાહિત પ્રક્રિયા અંતર્ગત 116 અન્વયે બેદરકારીપૂર્ણ હત્યાનો કેસ નોંધ્યો છે. અહીં એ જણાવવાનું કે ગુડૌરી જ્યોર્જિયામાં ગ્રેટર કાકેશસ પર્વતીય રેન્જ સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ હોવાનું કહેવાય છે.