100મી જન્મજયંતીઃ અટલ બિહારી વાજપેયી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનારા પહેલા પ્રવાસી હતા…
આજે પૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિવંગત વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી છે. ભારતના રાજકીય ઈતિહાસમાં વાજપેયીને ત્રણ વખત વડા પ્રધાનપદની ખુરશી સંભાળી હતી. જાણીએ તેમના જીવનની મહત્ત્વની વાતો.
ભારત રત્નથી સન્માનીત કર્યા હતા. 25 ડિસેમ્બર, 1924માં ગ્વાલિયરમાં જન્મેલા વાજપેયીને 2015માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. યુવાવયથી ભારતના રાજકારણમાં સક્રિય થનારા વાજપેયી હાજર જવાબી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વને કારણે વિપક્ષમાં લોકપ્રિય હતા. વિનમ્ર સ્વભાવના વાજપેયીની નેતૃત્વ ક્ષમતા પણ અદભુત હતી. ત્રણ વખત વડા પ્રધાનપદ સંભાળનારા વાજપેયીજીનું 2018માં નિધન થયું હતું.
ડિસેમ્બર 2002માં તત્કાલીન વડા પ્રધાન તરીકે તેમણે દિલ્હી મેટ્રોના પહેલા કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. કોરિડોરનું ઉદ્ધાટન કર્યા પછી એટલી ભીડ હતી કે પ્રવાસીઓને ટિકિટ આપવા માટે કાગળની ટિકિટ આપવાનું શરુ કર્યું હતું. મહત્ત્વની વાત એ હતી કે દિલ્હી મેટ્રોના સૌથી પહેલા પ્રવાસી વાજપેયી હતા. 24 ડિસેમ્બર 2002ના રોજ રેડ લાઈનના તીસ હજારી અને શાહદરા સ્ટેશન વચ્ચેના 8.2 કિલોમીટરના કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું.
78મા જન્મદિવસે ઉદ્ધાટન
વાજપેયીના 78મા જન્મદિવસ દરમિયાન સૌથી મહત્ત્વના કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. આ અંગે મેટ્રોના અધિકારીએ કહ્યું હતું કે મેટ્રો સર્વિસ શરુ કર્યાના બાજી દિવસથી મેટ્રોમાં ટોકન અને સ્માર્ટ કાર્ડની સાથે પેપર ટિકિટ પણ આપવાની શરુઆત કરી હતી.
વાજપેયીએ લાઈનમાં ઊભા રહીને ખરીદી ટિકિટ
દિલ્હી માટે યાદગાર દિવસ
વાજપેયી સ્ટેશનની અંદર આવીને ટિકિટ વિન્ડો પર સ્માર્ટ કાર્ડ ખરીદ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેઓ દેશના વડા પ્રધાન અને ચીફ ગેસ્ટ હોવા છતાં પોતે લાઈનમાં ઊભા રહીને ટિકિટ ખરીદ્યા પછી મેટ્રોમાં મુસાફરી કરી એ હકીકતમાં દિલ્હી મેટ્રો માટે યાદગાર દિવસ સાબિત થયો હતો.
પચ્ચાસના દાયકામાં સ્કૂટર પર કનોટ પ્લેસમાં બહુ ફર્યાં
વાજપેયી દિલ્હીના મોટા ભાગના વિસ્તારોથી વાકેફ હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અટલજી પચ્ચાસના દાયકામાં સ્કૂટર પર કનોટ પ્લેસમાં ફરતા હતા. બંને જણ રીગલી-રિવોલીમાં ફિલ્મ જોતા અને એના પછી એક રેકડી પર ચાટ ખાતા હતા. અડવાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અટલજીને પાણીપુરી બહુ પસંદ હતી અને ચાટ ખાવાનું પણ વિશેષ પસંદ કરતા હતા.