અંજારની કુખ્યાત લેડી ડોન રિયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ભાઈ-બહેન જેલભેગાં
અંજારઃ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરી અને અન્ય ગુનામાં સંડોવાયેલી લેડી માફિયા રિયા અને તેના મળતિયાઓ સામે કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ત્રણ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યા પછી વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આજે કોર્ટમાં રિમાન્ડની માગ સાથે હાજર કરતા દસ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવશે.
વ્યાજખોરી સહિત અન્ય ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે બે મહિલા સિત ત્રણ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી સખત કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણેય ભાઈબહેન ઘણા સમયથી અંજારમાં વ્યાજખોરી અને અન્ય ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસે વ્યાજખોરી, મારી નાખવાની ધમકી, મારામારી સહિત અન્ય ગુના સાથે કેસ નોંધ્યો હતો.
ત્રણેય વિરૂદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક જેવી કડક કાર્યવાહી કર્યા બાદ ભોગ બનનાર લોકો જાગૃત થયા અને ભોગ બનનારી વ્યક્તિએ ત્રણેય સામે ગુનો નોંધાવ્યો હતો. ત્રણેય વ્યાજખોરનો ભોગ બનનાર વ્યક્તિ પોલીસનો સંર્પક કરી અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોતાની ફરિયાદ નોંધાવી શકે છે, એમ કચ્છ પૂર્વ પોલીસે જણાવ્યું હતું.
વ્યાજે નાણા ધીરનારા લોકો દ્વારા શહેર-તાલુકાની પ્રજાને આર્થિક રીતે પાયમાલ કરવાની સાથે માનસિક ત્રાસ આપનારાને કાયદાનું ભાન કરાવવાના હેતુથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો. રિયા સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 કલમ 42 એ, ડી, ઈ તથા 47 અન્વયે ગુનો નોંધ્યો હતો.