December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં બે દિવસમાં બે બસ અકસ્માતમાં દસનાં મોત, અનેક ઘાયલ

Spread the love


પાટણમાં એસટી બસે રિક્ષાને ટક્કર મારતા 6 અને રાજકોટમાં સિટી બસે ચાર જણને કચડ્યાં

પાટણ-રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વિવિધ શહેરમાં બસના અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. પાટણમાં ગુરુવારે બસ-રિક્ષાની ટક્કરમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે રાજકોટમાં સિટી બસે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને કચડી નાખતા ચાર લોકોનાં મોત થયા હતા, જેમાં અનેકને ઈજા પહોંચી હતી. રાજ્યમાં વધતા રોડ અકસ્માતના બનાવ પ્રશાસન માટે ચિંતાનો વિષય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં પાટણ જિલ્લામાં સમી-રાધનપુર હાઈવે ખાતે એક બસે રિક્ષાને કચડી હતી, જેમાં છ લોકોના મોત થવાની સાથે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બસે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકો બસ નીચે કચડાઈ ગયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતક લોકો રાધનપુરના વાડી સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને તેઓ રાધનપુરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ગુરુવારે સવારના 11.30 વાગ્યાના સુમારે સરકારી બસ રાધનપુરથી હિંમતનગર જઈ રહી હતી ત્યારે ગોચનાદ નજીક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી, પરિણામે આ અકસ્માતમાં છ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. બસ ડ્રાઈવરે ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જ્યો હતો, જ્યારે અકસ્માતનો કેસ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

અહીં એ જણાવવાનું કે બુધવારે રાજકોટમાં ઈન્દિરા ગાંધી સર્કલ ખાતે બસે લોકોને કચડ્યા હતા. ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને બસે કચડ્યાં હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માત પછી ગુસ્સે થયેલા લોકોએ રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો, જ્યારે અનેક બસમાં તોડફોડ કરી હતી. એના સિવાય રાજ્યમાં અમદાવાદમાં મંગળવારે રાતના જુહાપુરા ખાતે એક ટેક્સીચાલકે વાહનોને ટક્કર મારી હતી, ત્યારબાદ સ્થાનિકોએ ગુસ્સે થઈને ટેક્સીચાલકની હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!